Thursday, July 18, 2024

હનુમાનજી મહારાજ ના જન્મ સ્થાન વિશે


અંજની પુત્ર હનુમાન જી ના જન્મ સ્થાન ની માહિતી

||॥ ॐ अञ्जनीजाय नमोस्तुभ्यम ||

[ચોપાઈ: ૦૨/બ/૨/૨૨]
*|| અંજનિપુત્ર ||*

* અર્થ: આપનું અંજનીપુત્ર નામ જગ-પ્રસિદ્ધ છે.*

     કાશી વિદ્વત પરિષદના અધ્યક્ષ ડો. કામેશ્વર ઉપાધ્યાય પ્રમાણે, માન્યતાઓના આધારે ધરતી ઉપર ભગવાન શ્રીરામ જન્મ પહેલાં જ હનુમાનજીનું પ્રાકટ્ય થઇ ગયું હતું. પણ અલગ અલગ પૌરાણિક ગ્રંથોમાં હનુમાનજીના જન્મસ્થળ અંગે જુદાં-જુદાં વર્ણનો મળતા હોવાથી ઘણાં રાજ્યોના લોકો હનુમાનજીનો જન્મ પોતાના રાજ્યમાં થયો હોવાનું માને છે. હનુમાનજીનું જન્મસ્થળ ક્યાં આવેલું છે એ મુદ્દે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે વિવાદ સર્જાયો છે. કર્ણાટકમાં હનુમાન જયંતીને હનુમાન વ્રતમના નામથી ઓળખવામાં આવે છે. આ પર્વ માગશર મહિનાના સુદ પક્ષની તેરસ એટલે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં આવે છે. કર્ણાટક રાજ્યનો દાવો છે કે હમ્પીથી લગભગ 25 કિમી દૂર આવેલું અનેગુંડી ગામ જ કિષ્કિંધા નગરી છે અને અહીં જ પવનપુત્રનો જન્મ થયો છે. કર્ણાટકના શિવમોગ્ગામાં આવેલા રામચંદ્રપુર મઠના વડા રાધેશ્વર ભારતીએ રામાયણનો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે, હનુમાનજીએ ખુદ સીતા માતાને પોતાની જન્મભૂમિ વિશે જણાવ્યું હતું. તે પ્રમાણે હનુમાનજીનો જન્મ ગોકર્ણના સમુદ્ર કિનારે થયો હતો. આ સ્થળ અત્યારે કર્ણાટકમાં આવેલું છે. આ પહેલાં, યોગી આદિત્યનાથે  કર્ણાટકમાં અત્યારે કોપ્પલ જિલ્લામાં આવેલા કિષ્કિન્ધામાં અંજનાદ્રી પહાડીઓમાં હનુમાનજીનો જન્મ થયો હતો એમ કહ્યું. કર્ણાટકના કોપ્પલ અને બેલ્લારીમાં એક જગ્યા છે જ્યાં અંજની પર્વત છે, આ જગ્યાને કિષ્કિન્ધા કહેવામાં આવે છે. પંપા સરોવર કર્ણાટક રાજ્યના કોપ્પલ જિલ્લામાં આવેલું છે. 
      તુંગભદ્રા નદીની દક્ષિણે સ્થિત પંપા સરોવરને હિંદુઓ પાંચ પવિત્ર સરોવરો પૈકીનું એક માને છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે. અન્ય ચાર સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, અને પુષ્કર સરોવર.  હિંદુ ધર્મની પૌરાણિક કથા પ્રમાણે આ સ્થળે ભગવાન શિવની અર્ધાંગિની પંપા (પાર્વતી)એ પોતાનું શિવ પ્રતિ સમર્પણ દર્શાવવા માટે તપસ્યા કરી હતી. એ સરોવરના કિનારે શબરીએ ભગવાન રામચંદ્રના આગમનની પ્રતિક્ષા કરતી હતી. અહીં મતંગ ઋષિનો આશ્રમ હતો.  આ આશ્રમમાં બજરંગબલી જન્મ્યા હતા એવું માનનારો વર્ગ પણ નાનો નથી. અનેકુંડી ગામની વચ્ચે જ એક પહાડી પર હનુમાનજીનું પ્રાચીન મંદિર પણ છે. કહેવાય છે કે માં અંજનીએ હનુમાનજી માટે અહીં જ તપસ્યા કરી હતી. એટલા માટે એને અંજનાદ્રી પર્વત કહેવામાં આવે છે. સરકાર દ્વારા હનુમાનજીના જન્મસ્થળના વિકાસ માટે 120 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા. હનુમાનજીનું જન્મસ્થળ જાણવા દિવ્ય ભાસ્કર અખબારની ટીમ કોપ્પલ જિલ્લાના તાલુકાના ગંગાવતી તાલુકામાં આવેલાં અનેકુંડી ગામમાં રામાનંદ સંપ્રદાયના મહંત વિદ્યાદાસને મળી જે અહીં છેલ્લાં 25 વર્ષથી પૂજાની જવાબદારી સંભાળી રહ્યા છે. હનુમાનજીના જન્મસ્થળ અંગે પૂછપરછ દરમિયાન તેમણે અનેક પ્રમાણ આપ્યાં. આ ટીમ ઇતિહાસકાર, આર્કિયોલોજિસ્ટ અને 20 વર્ષથી પણ વધારે સમયથી હમ્પી અને કિષ્કિંધામાં રિસર્ચ કરી રહેલા ડો. શરણબસપ્પા કોલકરને પણ મળી. વાલ્મીકિ રામાયણ મુજબ કિષ્કિંધા પત્થરનાં પહાડોની નગરી હતી. ટીમે જોયું કે અનેકૂંડી પ્રદેશમાં પત્થરનાં અસંખ્ય પહાડો વચ્ચે તુંગભદ્રા નદી, વાલી અને સુગ્રીવનો કિલ્લો, તારા પર્વત, મધુવન, શબરીની ઝુંપડી, ઋષિમુખ, અનેક પ્રાચીન ગુફાઓ, વાનરના પાંચ સાત હજાર જૂના ચિત્રો, સૂર્યોદય સમયે સોનેરી લાગતો આંજનેય પર્વત, જેવા ભૌગોલિક પુરાવાઓ અને પ્રાચીન ગ્રંથના વર્ણનોમાં જોવા મળતું સામ્ય, તેમજ સ્થાનિક લોકોનાં સદીઓ જૂના લોકગીતોમાં અંજના અને કેસરીના લગ્નનો ઉલ્લેખ વગેરે  કેવળ યોગાનુયોગ ન હોઈ શકે. 
હમ્પી શબ્દ પણ પંપા પરથી જ આવ્યો છે. વર્તમાન કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું હમ્પી નગર સંખ્યાબંધ પ્રાચીન સ્થાપત્યો ધરાવતું વિશ્વપ્રસિધ્ધ સૌંદર્ય ધામ છે. પ્રાચીન અનુશ્રુતી મુજબ કિષ્કિંધાનગરી મનાતું હમ્પીની ઇતિહાસકારોના મતે ઈ. સ. 1336માં હરિહર (પ્રથમ) અને બુક્કારાયે તેની સ્થાપના કરી હતી. ઈ. સ. 1509થી 1529 સુધી કૃષ્ણ દેવરાયનો શાસનકાળ સુવર્ણકાળ ગણાતો હતો. તેનાલીરામ તેના દરબારી હતા.હમ્પી મધ્યકાલીન હિંદુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની રાજધાની પણ હતું. તુંગભદ્રા નદીના તટ પર સ્થિત આ નગર હવે હમ્પી (પમ્પામાંથી નીકળેલું) નામે જાણીતું છે. ઈતિહાસ  કહે છે કે ઈ. સ. 1565માં વિજયનગરના અંતિમ રાજા રામરાય તાલિકોટાના યુદ્ધમાં બહમની સુલતાનોના સંઘથી (મહમૂદ ગાવાથી) પરાજિત થયા અને હમ્પીનો કબજો તેઓના હાથમાં ગયો. ઓછામાં ઓછાં પાંચ લાખ હિંદુઓની કતલ કરી, આ નગરને લૂંટીને ધ્વંસ કરી નાખ્યું. હાલમાં ફક્ત ખંડેરો સ્વરૂપે તેના અવશેષ બચ્યા છે, આ ખંડેરોને જોઈને એ  વિચાર આવે કે, એક સમયે અહીં કેવી સમૃદ્ધ સંસ્કૃતિ નિવાસ કરતી હશે. ભારતનાં કર્ણાટક રાજ્યમાં આવેલું આ નગર યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ કરવામાં આવ્યું છે. કારણકે નાની મોટી ટેકરીઓ વચ્ચે લગભગ પાંચસોથી વધુ પ્રાચીન બાંધકામો અહીં જોવા મળે છે. જેમાં મંદિર, મહેલ, તળાવ, ગઢ, ચબુતરા, મંડપ, બજાર, જેલ અને રાજભંડાર જેવી ઇમારતો છે. આમાં વિઠ્ઠલમંદિર, હજારારામમંદિર, વિરૂપાક્ષમંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે તત્કાલીન સ્થાપત્યકળાનાં બેનમૂન દૃષ્ટાંતો છે. અહીં હમ્પીમાં પણ હનુમાનજીનું એક પ્રાચીન મંદિર  પ્રતિષ્ઠિત છે.  શાસ્ત્રો અનુસાર આ વિસ્તાર જ કિષ્કિંધા નામનું એ પ્રાચીન નગર છે જેનો ઉલ્લેખ વાલ્મીકિય રામાયણ અને રામચરિત માનસમાં જોવા મળે છે. રામના વનગમન સ્થળને એક સૂત્રમાં ઢાળનાર શોધકર્તા ડો. રામ અવતાર કહે છે કે વાલ્મીકિ રામાયણના કિષ્કિંધાકાંડમાં અધ્યાય બારમાં મતંગ વનનો સંદર્ભ છે અને તે માત્ર કિષ્કિંધામાં છે, તિરુમાલામાં નથી. એવો ઉલ્લેખ મળે છે કે મતંગ વનમાં તેઓ રમ્યા હતા. વળી કિષ્કિંધાકાંડમાં જ અધ્યાય ૬૪માં જણાવ્યાં અનુસાર હનુમાનજીનો જન્મ ગુફામાં થયો હતો. આંધ્રના તિરુમાલામાં ગુફાઓ નથી. કેસરી માલ્યવંત પર્વત પર રહેતા હતા જે પર્વત પણ કિષ્કિંધામાં છે.

      બીજી તરફ આંધ્રપ્રદેશનો દાવો છે કે, હનુમાનજીનો જન્મ તિરૂપતિની સાત પહાડીઓમાંથી એક એવી અંજનાદ્રીમાં થયો હતો. (ત્યાં પણ અંજનાદ્રી પહાડી છે.) TTDએ તિરુમાલામાં સ્થિત આંજનેય પહાડ ઉપર મંદિરમાં આવતા ભક્તોની સુવિધા માટે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કર્ણાટક સ્થિત શ્રી હનુમાન જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ગોવિંદાનંદ સરસ્વતીએ આ બાંધકામને કોર્ટમાં પડકાર્યો હતો અને કોર્ટે સ્ટે આપ્યો હતો. આ મુદ્દે સતત વિરોધાભાસી દાવા થઈ રહ્યાં હોવાથી તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે (TTDએ) 2020 માં  7 સભ્યની એક સમિતિ બનાવી હતી. આ વૈદિક સમિતિને હનુમાનજીના જન્મસ્થળ અંગે રીપોર્ટ આપવા TTD એ જણાવ્યું હતું. આ વૈદિક સમિતિ ધાર્મિક અને  વૈદિક બાબતોની ખરાઈ કરે છે. આ સમિતિમાં પુરાતત્વવિદ અને ઈસરોના એક વિજ્ઞાાનીનો સમાવેશ કરાયો હતો. સમિતી દ્વારા રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના ઉપકુલપતિ મુરલીધર શર્માની અધ્યક્ષતામાં હનુમાનના જન્મ સ્થળને લઈને એક રિપોર્ટ તેલુગુ ભાષામાં તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પૌરાણિક, વૈજ્ઞાનિક, સાહિત્યિક સ્ત્રોતો ટાંકવામાં આવ્યા હતાં. અને એવો દાવો કરવામાં આવે છે કે પવનપુત્રનો જન્મ અંજનેદ્રી ટેકરી પર થયો હતો. આ અહેવાલના આધારે 2021માં રામ નવમીના દિવસે અંજનેદ્રી પર્વતને હનુમાનજીનું જન્મસ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. દિવ્ય ભાસ્કર ટીમે આંધ્રપ્રદેશમાં પણ તપાસ કરી હતી. ત્યાં તેઓ સમિતિના સભ્ય અને તિરુપતિમાં સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠમાં પ્રોફેસર સદાશિવ મૂર્તિને મળ્યાં. એમનાં મતે તિરૂપતિની સાત પહાડીઓમાં એક અંજનાદ્રી પહાડી છે. રામાયણમાં ઉત્તરકાંડમાં ઉલ્લેખ છે કે હનુમાનજીનો જન્મ સુમેરુશિખરાંચલમાં થયો હતો. સુમેરુશિખરાંચલ એ ભગવાન વેન્કટાદ્રીનાં વીસ પ્રસિદ્ધ નામ પૈકી એક છે. વરાહ પુરાણમાં ભગવાન વેંકટેશનું એક નામ સુમેરુ છે. સ્કંદ પુરાણ મુજબ એક પહાડી પર દેવી અંજનાએ તપ કર્યું હતું. જેથી હનુમાનજી પુત્રસ્વરૂપે જનમ્યાં. એટલે એ પહાડી અંજનાદ્રી તરીકે જાણીતી બની. બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ પુરાણ અને વરાહ પુરાણમાં પણ અંજનાદ્રીનો ઉલ્લેખ છે. આમ અંજનાદ્રી જ પ્રાચીન સુમેરુશિખરાંચલ છે. વાલી તરફથી મૃત્યુનો ભય હોય, હનુમાનજીએ સુગ્રીવને ઋષિમૂખ(ઋષ્યમુખ) પર્વત પર જવાની સલાહ આપી હતી. ઋષિમુખમાં શ્રીરામને મળ્યા પછી પરત ફરતી વખતે અનેક જંગલ, નદી નાળાઓ પસાર કરી, તે કિષ્કિંધા પહોંચ્યા હતાં. આમ ત્યાં પહોંચતા ચાર પાંચ દિવસ લાગ્યા હતા. માટે કર્ણાટકનો દાવો કે ઋષિમુખ કિષ્કિંધા પાસે જ સ્થિત છે એ માની શકાય નહિ. ઉત્તરકાંડ મુજબ સૂર્ય ભગવાનના આદેશથી હનુમાનજી કિષ્કિંધા ગયા હતા. આમ હનુમાનજીની જનમભોમકા અંજનાદ્રી પર્વત છે , પણ કર્મભૂમિ હમ્પી છે. દિવ્ય ભાસ્કર ટીમે વૈદિક સમિતિના મેમ્બર અને શ્રી વેંકટેશ્વર ઉચ્ચ ધર્મશાસ્ત્રીય સંસ્થાના અધિકારી ડો. અકેલા વિભીષણ શર્મા સાથે પણ મુલાકાત કરી. તેમણે વેંકટાચલ માહત્મ્યનો સંદર્ભ આપ્યો. એ પ્રમાણે અંજના મરુત ઋષિના આદેશથી તિરુમાલા આવ્યા હતા. પુષ્કરણીમાં સ્નાન કર્યા પછી એમણે આકાશગંગામાં જઈ તપ કર્યું. તિરૂમાલામાં દેવી અંજનીનું એક મંદિર પણ છે. 

 (સૌજન્ય : 'જનકલ્યાણ' -સામયિક (ફેબ્રુઆરી 2023))

No comments:

Post a Comment

આમારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આભાર
અમારો હેતુ સનાતન ધર્મ ના તમામ ગ્રંથો PDF વાંચકો સુધી પહોંચાડી સનાતન સંસ્કૃતિ નું જ્ઞાન આવનારી પેઢીને પણ મળે તેવો અમારો દ્રઢ નિશ્ચય છે

ઇ આધ્યાત્મિક લાઈબ્રેરી